રાજકોટ કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરી ખાતે જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ જિલ્લા આરોગ્ય સોસાયટી ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે રાજકોટ જિલ્લામાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ અંગે એલિમ્કો દ્વારા કરાયેલ એસેસમેન્ટ કેમ્પ અન્વયે ઉમદા કામગીરી કરનાર સીડીએચઓ સહિત આરોગ્ય વિભાગના 25 ડોક્ટર્સ, અધિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી ભવિષ્યમાં પણ આવી જ રીતે સરાહનીય કામગીરી કરતા રહોવાની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત જિલ્લામાં આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટેના જમીનના પ્રશ્નોના નિવારણ તેમજ દવાઓ, વાહન સહિતની બાબતે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરે પીડીયુ હોસ્પિટલમા કેમેરા, જરૂરી મશીનરી અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ ઋતુજન્ય રોગો અંગે થયેલ કામગીરીની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આરોગ્ય કેન્દ્રમાં આવતા 30 વર્ષથી વધુ ઉંમરના લોકોનું બ્લડપ્રેશર, ડાયાબિટીસ ચેક કરવા તેમજ 70 વર્ષથી વધુ વયના નાગરિકોના આયુષ્યમાન કાર્ડ, પીએમજેએવાય અને આભા કાર્ડ કઢાવવામાં મદદરૂપ થવા તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ડોક્ટર્સને ડૉ.સિંગે સુચન કર્યુ હતુ. આ બેઠકમાં આર.ડી.ડી. ડૉ. મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફુલમાલી, જિલ્લા આર.સી.એચ ઓફિસર જોશી, સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ સહિત તાલુકા હેલ્થ ઓફિસરો અને મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.