શહેરની ભાગોળે અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી નજીકથી એસઓજીની ટીમે કારમાં મેફેડ્રોન ડ્રગ્સ લઇને આવી રહેલા શિવપરાના ઇસમને ઝડપી લીધો હતો. પોલીસે ડ્રગ્સ અને કાર સહિત કુલ રૂ.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રૈયા રોડ પરના શિવપરામાં રહેતો ઇરફાન ઉર્ફે રોમિયો હનિફ ચાનિયા (ઉ.વ.32) અમદાવાદ તરફથી સ્વિફટ કારમાં આવી રહ્યો છે અને કારમાં ડ્રગ્સનો જથ્થો છે તેવી માહિતી મળતાં એસઓજીના પીઆઇ અેસ.એમ.જાડેજા સહિતની ટીમે અમદાવાદ હાઇવે પર વાંકાનેર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. નિયત વર્ણનવાળી સ્વિફ્ટ કાર આવતી દેખાતા જ પોલીસે તેની આગળના વાહનો ઊભા રખાવવાનું શરૂ કર્યું હતું અને તે સાથે જ સ્વિફટ કાર ટ્રાફિકજામમાં ફસાાઇ હતી.
એસઓજીના પીઆઇ જાડેજા સહિતની ટીમે કારને કોર્ડન કરી તે કાર ચલાવી રહેલા ઇરફાન ચાનિયાને નીચે ઉતારી તેની તલાશી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા 98900ની કિંમતનો 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર, મોબાઇલ અને ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 6,04,810નો મુદ્દામાલ જપ્ત કરી ઇરફાનની ધરપકડ કરી હતી. ડ્રગ્સ સાથે ઝડપાયેલો ઇરફાન રૈયા રોડ પર મટનનો વેપાર કરે છે, તે રાજસ્થાનથી ડ્રગ્સ લઇ આવ્યાનું તેની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું, ઇરફાન ચાનિયા અગાઉ પણ ત્રણેક વખત ડ્રગ્સની ખેપ મારી ચૂક્યાની શંકા સેવાઇ રહી છે અને પોલીસે તે દિશામાં તેની પૂછપરછ શરૂ કરી હતી.