ગુજરાત રાજ્યની મોટાભાગની નગરપાલિકા કંગાળ બની છે અને જેમાં સ્ટ્રીટ લાઈટ તેમજ વોટર વર્કસ વિભાગની બાકી રહેતી કરોડોની રકમના વીજબીલ માંગવામાં આવતા કોઈ પ્રતિઉત્તર ન મળતા આખરે મજબૂર બની વીજ જોડાણ રદ કરવાની સ્થિતિ સર્જાતી હોય છે. તો કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ જોડાણ પણ PGVCL દ્વારા રદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છની કુલ 67 નગરપાલિકા પૈકી માત્ર 3 નગરપાલિકા એવી છે કે જેનું એક પણ વીજ બિલ બાકી નથી જેમાં જામજોધપુર, ધોરાજી અને વાંકાનેરનો સમાવેશ થાય છે જયારે બાકીની 64 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCLને કુલ રૂ.395 કરોડના વીજ બિલ 31.12.2024 સુધીના લેવાના બાકી બોલે છે.
ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનું જ શાસન છે ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાઓ પણ સરકારને દેણામાં મૂકી રહી છે અને બાકી બીલો ભરવામાં ગલા તલા કરી રહી છે. દિવ્યભાસ્કર દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં PGVCL અંતર્ગત આવતી નગરપાલિકાઓમાં કેટલી નગરપાલિકા કંગાળ બની વીજ બિલ નથી ભર્યા તેની માહિતી મેળવી જેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. સૌરાષ્ટ્ર ક્ચ્છની 67 પૈકી જામજોધપુર, ધોરાજી અને વાંકાનેર નગરપાલિકાને બાદ કરતા તમામ નગરપાલિકાના બિલ ભરપાઈ કરવાના બાકી બોલે છે. અને બાકીની 64 નગરપાલિકા એવી છે કે જેની પાસેથી PGVCLને કુલ 395 કરોડના વીજ બિલ લેવાના બાકી છે.