રાજકોટ શહેરના સંત કબીર રોડ પર ત્રિવેણી સોસાયટીમાં રહેતી જ્યોત્સનાબેન મહેશભાઈ મકવાણાની હત્યાના કેસમાં આરોપી પ્રભાત અવાડીયાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. ભાવનગર હાઈવે પર વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળથી મહિલાનો માત્ર એક કપાયેલો પગ જ મળ્યો હતો અને સમગ્ર કાનૂની લડત ચાલી હતી.
રાજકોટમાં સંતકબીર રોડ, ત્રિવેણી સોસાયટી શેરી નંબર 1 ખાતે રહેતા મહેશ ઉર્ફે ગોરધન બચુ મકવાણાના પત્ની ગુમ થઈ ગયેલ હતા. જે અંગે તેણે પોતે જ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ ગયાની જાણ કરી હતી. ત્યાર બાદ થોડા દિવસ પછી આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ ભાવનગર હાઈવે રોડ વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ, આવડ માતાજીની ધારના પેટાળમાંથી માનવ અવયવ (પગ) તથા સ્ત્રીના કપડા તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ હતો. જેના આધારે સૌપ્રથમ પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી તપાસ આગળ ચલાવી હતી.
આ ગુનાની તપાસ કરવામાં આવેલ હતી અને આરોપી પ્રભાત આપા અવાડીયાની ધરપકડ કરવામાં આવેલ હતી. માનવ અવયવ પગનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલા તેમજ ફરિયાદી તેમજ મૃત્યુ પામનાર દીકરીનું ડી.એન.એ. ટેસ્ટ લઈ માનવ અવયવ પગ સાથે મેચ કરવામાં આવેલા હતું અને સાંયોગીક પુરાવાઓ મેળવવામાં આવેલા હતા. બનાવવાળી જગ્યાએથી મૃત્યુ પામનારની અન્ય ચીજવસ્તુઓ જેવી કે, એક મહેંદી કલરનું સ્વેટર, બ્લાઉઝ, પગમાં પહેરવાના સાંકડા તેમજ અન્ય ચીજવસ્તુઓ ફરિયાદીએ તથા તેમના દીકરા દ્વારા ઓળખી બતાવવામાં આવેલ હતું.