વિરાણી સ્કૂલમાં હજુ બે માસ સુધી ભાડૂઆતો જલસા કરી શકશે!

રાજકોટના ટાગોર રોડ પર આવેલી અબજો રૂપિયાની વિરાણી હાઇસ્કૂલના પ્રકરણમાં પ્રાંત અધિકારીએ વેચી નહીં શકાય, ભાડે નહીં આપી શકાય, આર્થિક ઉપાર્જન થઇ શકે તેવી કોમર્સિયલ પ્રવૃત્તિ નહીં કરી શકાય તેવો ચુકાદો આપ્યા બાદ પણ હાલમાં વિદ્યાર્થીઓના રમતગમતના મેદાનમાં ખાણીપીણીના ધંધા અને બોક્સ ક્રિકેટ સહિતના ધંધાદારી આયોજનો બેખોફ ચાલી રહ્યા છે ત્યારે આ મુદ્દે પ્રાંત અધિકારી ચાંદની પરમારને પૂછતા તેઓેએ જણાવ્યું હતું કે, મેદાનમાંથી ભાડૂઆતને કાઢવા મૌખિક સૂચના આપી છે અને જો ખાલી નહીં કરે તો બે માસ બાદ નોટિસ આપવામાં આવશે.

વિરાણી હાઇસ્કૂલના વિવાદમાં પ્રાંત અધિકારી ચાંદની પરમારે તા.20-01ના રોજ ચુકાદો આપ્યો છે અને તેમાં વિરાણી હાઇસ્કૂલની સમગ્ર જમીન સરકારી નિયંત્રણ હેઠળની ઠરાવી સત્તા પ્રકાર-જી અને સત્તા પ્રકાર-કે(5)ની નોંધ દાખલ કરવા હુકમ કર્યો છે. તેમજ હવે વિરાણી હાઇસ્કૂલના ટ્રસ્ટીઓ સરકારની પૂર્વ પરવાનગી વગર આ જમીન કોઇને ભાડે આપી શકશે નહીં કે નફો રળી શકશે નહીં કે વેચાણ કરી શકશે નહીં તેવો ચુકાદો આપ્યો છે. તેમજ આ ચુકાદાથી નારાજ ટ્રસ્ટીઓને કલેક્ટર પાસે અપીલમાં જવા માટે 60 દિવસની મુદત આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *