રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં આવનાર હોવાથી મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફેબ્રુઆરી સુધીમાં આજી અને ન્યારી ડેમને ભરી આપવા માંગ કરવામાં આવી હતી. છેલ્લા લગભગ 15 દિવસથી બંને ડેમોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. હાલ આ બંને ડેમો 85% કરતા વધુ ભરાઈ ચુક્યા છે. જેમાં આજી ડેમની સપાટી 26.88 અને ન્યારીની સપાટી 23.62 ફૂટ પહોંચી છે. આ બંને ડેમો પુરેપુરા ભરાય ત્યાં સુધી પાણીની આવક ચાલુ રાખવામાં આવનાર છે. જેને લઈને આગામી ઉનાળામાં પાણીની કોઈપણ સમસ્યા રંગીલા રાજકોટનાં લોકોને રહેશે નહીં.
વોટર વર્ક્સનાં અધિકારી દેથરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટની પાણી સમસ્યાને ભૂતકાળ બનાવનાર સૌની યોજના રાજકોટ વાસીઓ માટે જીવાદોરી બની ગઈ છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આયોજના થકી શહેરનાં આજી અને ન્યારી ડેમમાં ચોમાસા સુધી પાણી ખુટતુ જ નથી. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એકવાર બંન્ને ડેમોમાં નર્મદાનાં નીર છોડવા સરકાર પાસે માંગણી કરી હતી. જેને તુરંત સ્વિકારી લેવામાં આવી હતી. છેલ્લા 17 દિવસથી આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજનાનાં ભરપૂર પાણી છોડવામાં આવી રહ્યા છે. હજુ પણ બંન્ને ડેમોમાં નર્મદાના નીર છોડવાનું સિંચાઈ વિભાગે ચાલુ જ રાખ્યુ છે.