મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે સાંજે 4:42 વાગ્યે એક મોટો ટ્રેન અકસ્માત થયો. અહીં, પચોરા સ્ટેશન પાસે, માહેજી અને પરધાડે વચ્ચે પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાઈ. આ દરમિયાન એક મુસાફરે ચેઇન ખેંચી. ટ્રેન ઉભી રહી ગઈ અને ગભરાયેલા મુસાફરો બહાર કૂદી પડ્યા. આ દરમિયાન, બીજા ટ્રેક પર આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા મુસાફરોને કચડી નાખ્યા.
જલગાંવ એસપીએ 12 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. 40 મુસાફરો ઘાયલ થયાના અહેવાલ છે. મધ્ય રેલવેના ભુસાવલ ડિવિઝનના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ ઘટના બની ત્યાં એક તીવ્ર વળાંક હતો. આ કારણે, બીજા ટ્રેક પર બેઠેલા મુસાફરોને ટ્રેનના આગમનનો ખ્યાલ આવ્યો નહીં. આ જ કારણ હતું કે કર્ણાટક એક્સપ્રેસ નીચે આટલી મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા.
સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, ભુસાવલથી મેડિકલ રિલીફ ટ્રેન રવાના થઈ ગઈ છે. ઘટના સ્થળ મુંબઈથી 400 કિમી દૂર છે.