જસદણની મધ્યમાંથી પસાર થતી જૂની ભાદર નદી પર ગાંડીવેલની પથરાયેલી ચાદર નજરને સારી લાગે, હરિયાળી હરિયાળી લાગે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વેલ થકી આ પાણી કોઈ ખપનું રહેતું નથી. પશુઓ માટે આ પાણી પીવાલાયક પણ રહેતું ન હોય તો આ પાણી શું કામનું? તેવા સવાલો જાગૃત લોકોમાં ઉપસ્થિત થાય છે.
એક બાજુ વર્ષોથી જસદણની ભાદર નદીમાં આખા શહેરનો કચરો ઠાલવી પાણીને વધુને વધુ ગંદુ કરીને નગરજનો જ રોગચાળો ફેલાવી રહ્યા છે. છતાં જસદણ નગરપાલિકાના જવાબદારો દર વર્ષે હરખભેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરે છે અને પર્યાવરણની સુરક્ષા માટે કરાતી જાહેરાતો માત્ર ફોટોસેશન માટે જ કરાતી હોય તેવું આ ચિત્ર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. અત્યારે તો આ ગાંડીવેલ જાણે કે ગાંડીતૂર બની હોય તેમ ભાદર નદી પર પથરાઇ ચૂકી છે. આવી અનેક તસવીરો અગાઉ પણ છપાઇ ચૂકી હશે, પરંતુ હજુ પણ તંત્રને નદીની સ્વચ્છતાની ગંભીરતા સમજાતી નથી.