રાજકોટ જિલ્લામાં કુપોષણ નિવારણ અભિયાન અંતર્ગત બાળકોને કુપોષણથી મુક્ત કરવા માટે પાઇલટ પ્રોજેક્ટ તરીકે લોધિકા તાલુકાના ખાંભા ગામની આંગણવાડીની પસંદગી કરવામાં આવી છે. તા.19 જાન્યુઆરીને રવિવારના રોજ આંગણવાડી કેન્દ્ર ખાતે કુપોષણ નિવારણ અભિયાનની મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી. લોધિકા તાલુકાના 886 જેટલા કુપોષિત બાળકોને આંગણવાડી કેન્દ્ર પરથી આઇસીડીએસ શાખા દ્વારા સતત ત્રણ મહિના સુધી દૂધ અને પ્રોટીન પાઉડર આપવામાં આવશે. જેમાં રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા અમૂલ મોતી મિલ્ક અને રોટરી ક્લબ દ્વારા સર્ટિફાઇડ પ્રોટીન પાઉડર વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ અમલીકરણ અને મોનિટરિંગની જવાબદારી આઇસીડીએસ શાખા આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી નિભાવશે. જેમાં મુખ્ય સેવિકા સહિતનાઓ દર અઠવાડિયે કુપોષિત બાળકોના વજન અને ઊંચાઇ સાથે ભૂખ પરીક્ષણ પણ કરશે તેમજ કુપોષિત બાળકોના ઘરે જઇ તેમના માતા-પિતાને પોષણની સ્થિતિ અંગેની સમજણ આપશે. આ સાથે જો જરૂર જણાશે તો અતિ ગંભીર કુપોષિત બાળકોને નજીકના કેન્દ્રમાં સારવાર આપવામાં આવશે. તાલુકા આરોગ્ય અધિકારી સાથે સંકલનમાં રહી જરૂરિયાત મુજબ દવા અને રસીકરણ થાય તે માટે આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ અને આઇસીડીએસ શાખાના તમામ અધિકારી અને સભ્ય હાજર રહ્યા હતા.