ધોરાજી ધોરાજીના ઉમરકોટ ગામે જિલ્લા કલેક્ટર સહિતની ટીમના માર્ગદર્શન તળે સરકારી ખરાબામાં ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને 36.33 લાખની કિંમતની 1615 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઇ છે. હજુ આ ઝુંબેશ શરૂ રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. રાજકોટના જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ ધોરાજી નાયબ કલેકટર એન.એમ. તરખાલા , ધોરાજી મામલતદાર ગોંડલીયા સહિતના અધિકારીઓ ની ટીમે ઉમરકોટ ગામે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર 39 પૈકી 1 ની સરકારી જમીનમાં પોલ્ટ્રી ફાર્મ – 2 તથા ઓરડીઓ મળી કુલ 1000 ચો.મી. જમીનમાં બાંધકામ કરી દબાણ કરવામાં આવ્યું હતું જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા અંદાજીત ૨૨,૫૦,૦૦૦/- થાય છે તથા સરકારી ખરાબાના સર્વે નંબર ૪૮ પૈકી ની સરકારી જમીનમાં પોર્લ્ટ્રી ફાર્મ – ૧ તથા ઓરડીઓ 615 ચો.મી.જમીનમાં બાંધકામ કરી દબાણ કરેલ હતું જેની અંદાજીત કિંમત રૂ।.૧૩,૮૩,૭૫૦/- થાય છે.આમ કુલ ૧૬૧૫ ચો.મી.જમીન પર દબાણ ખડકી દેવામાં આવ્યું હતું જેની કુલ કિંમત ૩૬,૩૩,૭૫૦ /- થાય છે જે દબાણો હટાવી દેવામાં આવ્યા છે. બાકી રહેલી જમીન પર થયેલા દબાણ બાબતે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી દબાણ દૂર કરવાની કામગીરી આગામી સમયમાં દૂર કરવામાં આવનાર છે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઉમરકોટ ગામે ધોરાજી નાયબ કલેકટર, મામલતદાર સહિતનાં અધિકારીઓના સ્ટાફે સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે ધોરાજી તાલુકા પોલીસ મથકનાં પીઆઈ એલ.આર.ગોહિલ સહિતનાં પોલીસ સ્ટાફે બંદોબસ્ત ગોઠવ્યો હતો.