રાજકોટમાં વર્ષ 2014માં આસારામ યૌન શોષણ કેસના સાક્ષીની હત્યા કરવાના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાંચની ટીમે કર્ણાટકના આશ્રમમાંથી દબોચી લઈ સીઆઈડી ક્રાઈમને કબજો સોંપતા પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવી સુરત ખાતે તપાસ હાથ ધરી નિવેદન નોંધ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીએ સુરતમાં 15 દિવસ મકાન ભાડે રાખી ત્યાં બેઠા બેઠા રાજકોટમાં હત્યાના પ્લાનને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. જો કે ગઇકાલે તેના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યો છે.
મૂળ અમદાવાદના અને રાજકોટમાં દર મહિને બીજા અને ચોથા શુક્રવારે સંતકબીર રોડ પર આવેલા ઋષિ ભવન ચિકિત્સાલય ખાતે દર્દીઓની સેવા કરવા આવતા વૈધ અમૃત પ્રજાપતિ આસારામના યૌન શોષણ કેસમાં સાક્ષી હોય તેમજ નિવેદન આપતા તેની 25 મે, 2014ના રોજ દર્દીના સ્વાંગમાં આવેલા શાર્પશૂટરે ફાયરિંગ કરી હત્યા નીપજાવી હતી. આ કેસમાં અગાઉ 3 આરોપી પકડાયા બાદ હત્યાના પ્લાનમાં સામેલ મૂળ મહારાષ્ટ્રનો અને હાલ મોટેરા અમદાવાદ આશ્રમમાં રહેતો કિશોર બાલકૃષ્ણ બોડકે કર્ણાટક આસારામના આશ્રમમાં છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમે વેશ પલટો કરી આશ્રમમાં રોકાઈને કિશોરની ધરપકડ કરી રાજકોટ સીઆઈડી ક્રાઈમને કબજો સોપ્યો હતો.
રાજકોટ સીઆઈડી ક્રાઈમના પી.આઈ. મનીષા હુંબલ એ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી તપાસ આરંભી હતી અને ટીમ સુરત દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કિશોર હત્યાના પ્લાનમાં સામેલ હતો. વર્ષ 2014માં જ્યારે હત્યાને અંજામ આપ્યો ત્યારે તેણે સુરતમાં એક મકાન ભાડે રાખી ત્યાં 15 દિવસ રોકાણ કરી હોવાની કબૂલાત આપી હતી. જ્યાંથી બેઠા બેઠા જ હત્યાના પ્લાનને અંજામ આપ્યો હતો. 25 તારીખે હત્યાના બનાવ બાદ તેણે અલગ અલગ આશ્રમોમાં આશરો લીધો હતો. આ કેસમાં હજુ 7 આરોપીઓ ફરાર છે જે આરોપીઓ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.