બુધવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક, 18 જેટલા પક્ષકારોને હાજર રહેવા નોટિસ

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી બુધવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની પ્રથમ બેઠક બોલાવવામાં આવી રહી છે અને તેમાં 60 જેટલા કેસનું હિયરિંગ કરાશે. આ બેઠકમાં 18 જેટલા પક્ષકારોને હાજર રહેવા તંત્રે નોટિસ આપી છે.

રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનો પર પેશકદમી કરનારા અને પારકી જમીન હડપ કરી જનારા તત્ત્વો સામે કાર્યવાહી માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની રચના કરવામાં આવી હતી અને તેમાં દરેક જિલ્લામાં કલેક્ટર તંત્ર સમક્ષ અરજદારે ફરિયાદ કર્યા બાદ તેની જે-તે વિસ્તારના મામલતદાર પાસે અને પોલીસ તંત્ર પાસે તપાસ કરાવવામાં આવતી હતી અને આ બન્નેનો રિપોર્ટ આવ્યા બાદ એવરેજ 3થી 4 ટકા કેસોમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ સાબિત થતો હતો અને બાકીના કેસો ફેસલ કરી નાખવામાં આવતા હતા. જેના કારણે અરજદારોમાં પણ ભારે કચવાટ પ્રસરેલો જોવા મળતો હતો.

દરમિયાનમાં હવે રાજ્ય સરકારની નવી ગાઇડલાઇન મુજબ લેન્ડ ગ્રેબિંગના કેસોનું હિયરિંગ કરવામાં આવનાર છે જેમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળનારી પોલીસ કમિશનર, જિલ્લા પોલીસવડા, મ્યુનિસિપલ કમિશનર સહિતના સભ્યોએ હાજરી આપવી ફરજિયાત કરવામાં આવી છે. તેમજ કેસમાં પક્ષકારોને હાજર રાખવા પણ માર્ગદર્શિકા જારી કરાઇ છે. જે મુજબ બુધવારે મળનારી બેઠકમાં 18 જેટલા પક્ષકારોને હાજર રહેવા નોટિસ અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *