રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉત્તરાયણને દિવસે વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા રહી હતી. મકરસંક્રાંતિનો તહેવાર લોકોએ મન ભરીને માણ્યો હતો, પરંતુ પતંગ ઉડાવવાની મજામાં અનેક જગ્યાએ તારમાં પતંગ ફસાઈ જવાને લીધે અને અન્ય જુદા જુદા કારણોસર શહેરમાં આખો દિવસ વીજળીની આવન-જાવન રહી હતી. વીજળી વારંવાર ગુલ થઇ જતા લાઈટ ક્યારે આવશે? તેવું પૂછવા માટે પીજીવીસીએલના કસ્ટમર કેરમાં મંગળવારે 2500 જેટલા ફોનકોલ આવ્યા હતા. શહેરમાં જુદા જુદા વિસ્તારમાં 111 જેટલા ફીડર બંધ પડી જતા વીજકંપનીનો સ્ટાફ સતત દોડતો રહ્યો હતો. એક ટીમમાં 15 સભ્ય એવી 24 ટીમ એટલે કે કુલ 360 લોકોની ટીમ સવારથી સાંજ ફોલ્ટ રિપેરિંગમાં લાગી હતી.
પીજીવીસીએલ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી ગુલ થવા અને અન્ય બાબતોની કુલ 248 ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી 86 માત્ર રાજકોટ શહેરમાં નોંધાઈ હતી. શહેરના ભક્તિનગર, રેલનગર, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, જંગલેશ્વર, રવિરત્ન પાર્ક, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થઇ હતી. લોકોએ પતંગ ઉડાવવાની સાથે સાથે સંગીત અને ડાન્સનો આનંદ લેવા અગાશી ઉપર મ્યુઝિક સિસ્ટમ-સ્પીકર લગાવ્યા હતા, પરંતુ વીજળી ગુલ થઇ જવાને લીધે વારંવાર તે બંધ થઇ જતા લોકોની મજા બગડી હતી.