શહેરમાં મકરસંક્રાતિ પર્વમાં પતંગની દોરીથી ગળું કપાતા બેડલા ગામના યુવકનું મોત નીપજ્યું હતું. યુવક બેડલા ગામથી નવાગામ તેના ભાઇના ઘેર સંક્રાંત મનાવવા આવતો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે બનાવ બનતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. જ્યારે ઘંટેશ્વર પાસે બ્રહ્મનાદ સોસાયટીમાં બીજા માળેથી પટકાતાં પરિવારના 10 વર્ષના બાળકનું તેમજ મીરા ઉદ્યોગમાં પતંગ ઉડાડતી વેળાએ 18 વર્ષના યુવકનું બીજા માળેથી અને ગાંધીગ્રામ પાસેની શ્રીરામ સોસાયટીમાં પતંગ ઉડાડી અગાશી પરથી ઉતરતી વેળાએ પિતા-પુત્રી પટકાતાં 10 માસની બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે દોરીથી ઘવાયેલા 45 અને ધાબા પરથી પટકાયેલા અને દોરીને કારણે અકસ્માતમાં ઘવાયેલા 15 મળી કુલ 60 વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના કુવાડવા રોડ પર બેડલા ગામે રહેતો પ્રકાશ જયસુખભાઇ સરેરિયા (ઉ.28) મકરસંક્રાતિના દિવસે તેનું બાઇક લઇને નવાગામ દિવેલિયાપરામાં રહેતા તેના મોટા ભાઇ દીપકભાઇના ઘેર તહેવાર મનાવવા આવતો હતો ત્યારે મેંગો માર્કેટ પાસે અચાનક પતંગની દોરી ગળામાં અાવી જતા ગંભીર રીતે ઘાયલ થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા બનાવમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક પાસેની બ્રહ્મનાદ સોસાયટીમાં રહેતો કશ્યપ વિવેકભાઇ ચાંદ્રા (ઉ.10) તેના ઘેર પરિવાર સાથે અગાશી પર હતો ત્યારે બીજા માળેથી પટકાતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવારમાં મોત નીપજ્યું હતું.