એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા 15થી 31 જાન્યુઆરી સુધી પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયું ઉજવવામાં આવશે. આ અંતર્ગત સમસ્ત મહાજન અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ જીવદયા સંસ્થાનો એવોર્ડ મેળવનાર શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા શાળા-કોલેજોમાં પશુ ચિકિત્સા અંગે માર્ગદર્શન, પશુ કલ્યાણ નિયમોની માહિતી શિબિર, અબોલ જીવો માટે ભોજન રથની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત પક્ષી ઉપયોગી વૃક્ષોનું વાવેતર, ગાયના પંચગવ્ય ઉત્પાદનોની માહિતી, ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે પ્રશિક્ષણ વર્ગ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ‘પક્ષી બચાઓ અભિયાન-2025’ના ભાગરૂપે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રાણી કલ્યાણ પખવાડિયાના બેનરનું વિમોચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાકાહાર પ્રચાર-પ્રસાર, ચકલીના માળા વિતરણ, પશુ-પક્ષીઓ માટે પાણીની કુંડીઓનું વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે.