રાજકોટના કરુણા ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિનાં તહેવારમાં ખાસ પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં આ વખતે અલગ-અલગ 16 સ્થળોએ પક્ષીઓ માટેની ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. ગઈકાલથી લઈ આજ સુધીમાં 2,000 કરતા વધારે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી ચૂકી છે. જેમાંથી 1,800 જેટલા પક્ષીનાં જીવ બચ્યા છે. જ્યારે અથાગ પ્રયાસો કરવા છતાં 200 જેટલા પક્ષીઓનાં મોત નિપજ્યા છે.
કરુણા ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી ધીરેન્દ્ર કાનાબારનાં જણાવ્યા મુજબ રાજકોટમાં વર્ષોથી એનિમલ હેલ્પલાઇન એટલે કે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાતિલ દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટેનાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે. જેમાં હાલમાં 16 સ્થળે આવા કંટ્રોલરૂમ ચાલી રહ્યા છે. અને માત્ર ગઈકાલ અને આજે સવારે 11 સુધી અંદાજે 2,000 કરતા વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં 1,800 જેટલા પક્ષીના જીવ બચાવવામાં સફળતા મળી છે. હજુપણ કામગીરી ચાલી રહી છે.