ટીડીએસ ભરવાની નોટિસ પરત ખેંચવા એસો.એ માંગ કરી

રાજકોટ આવકવેરા વિભાગે બેડી યાર્ડમાં કમિશન એજન્ટને આઈટીનો ટીડીએસ ભરી દેવા માટે નોટિસ પાઠવી છે. યાર્ડના ઈતિહાસમાં પહેલી વખત કમિશન એજન્ટને આ પ્રકારે ટેક્સ ભરી દેવા માટે નોટિસ પાઠવવામાં આવતા કમિશન એજન્ટોમાં રોષની લાગણી ફેલાઈ છે. કમિશન એજન્ટ એસો. દ્વારા આ અંગે આવકવેરા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

કમિશન એજન્ટોને મળેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, તમે વર્ષે રૂ.90 લાખથી રૂ. 4 કરોડનો વેપાર કરો છો આથી તમારે આઈટીનો ટીડીએસ ભરવો પડશે. તે સમયસર ભરી દેવો પડશે. જો આ નોટિસ પરત ખેંચવામાં નહિ આવે તો કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવામાં આવશે તેમ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું છે.

સોમવારે યાર્ડના કમિશન એજન્ટ એસો.ના સભ્યોએ આવકવેરાના અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, યાર્ડમાં કમિશન એજન્ટો ખેડૂત અને વેપારીઓ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. આ માટે તેઓ કમિશન ચાર્જ લેતા હોય છે. તેઓ ખેડૂત પાસેથી માલ ખરીદ કરે છે અને તે માલ વેપારીઓને વેચે છે. કમિશન એજન્ટ વતી તેઓ ખેડૂતોને પૈસા તાત્કાલિક ચૂકવી દે છે. ખેડૂતોને ચૂકવણી રોકડમાં કરવાની થતી હોય છે. જ્યારે વેપારીઓ તેઓને ચેકથી પેમેન્ટ કરે છે.આ સમગ્ર પ્રક્રિયામાં બેથી ત્રણ દિવસનો સમય નીકળી જાય છે. બિલ જે તે કમિશન એજન્ટની જે પેઢી હોય તેનું બનતું હોય છે. યાર્ડમાં જે જણસી વેચાવા માટે આવતી હોય છે તે મોટા જથ્થામાં હોવાને કારણે તેની રકમ કરોડોમાં હોય છે.આથી, આવકવેરા વિભાગના અધિકારીઓ જેટલી રકમનું બિલ બને છે તેને કમિશન એજન્ટોની આવક- ટર્નઓવર સમજી લીધું છે. જ્યારે હકીકત કુલ વેચાણ થાય તેમાં કમિશન એજન્ટો સામાન્ય નજીવા દરે સર્વિસ ચાર્જ લેતા હોય છે.આમ, નોટિસ ખોટી રીતે ફાળવાઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જો આ નોટિસ પરત ખેંચવામાં નહિ આવે તો કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવશે તેમ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *