ભારતે સોમવારે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર નુરુલ ઈસ્લામને ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગના વિવાદને લઈને સમન્સ પાઠવ્યું હતું. આ પહેલાં રવિવારે બાંગ્લાદેશે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું હતું. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને બોલાવીને સરહદ પર BSF દ્વારા કરવામાં આવી રહેલી ફેન્સિંગને ગેરકાયદે પ્રયાસ ગણાવ્યો હતો.
બાંગ્લાદેશનો આરોપ છે કે ભારત સરહદ પર દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કરીને સરહદ પર પાંચ સ્થળે ફેન્સિંગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી BSSએ જણાવ્યું કે ભારતીય હાઈ કમિશનરે બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમુદ્દીન સાથે લગભગ 45 મિનિટ સુધી આ મુદ્દે વાત કરી.
જોકે બાંગ્લાદેશની વચગાળાની સરકારે આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી. ભારતીય ઉચ્ચાયુક્તે બેઠક બાદ કહ્યું હતું કે બંને દેશ સુરક્ષાના મુદ્દે ફેન્સિંગ બાંધવા માટે સંમત થયા છે. બંને દેશોના સુરક્ષા દળો (BSF અને BGB)એ પણ આ મુદ્દે વાત કરી છે.