શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. અગાઉ બોર્ડે વર્ષ 2021-22થી ગણિતમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે બેઝિક (સરળ) ગણિત અને સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત એમ વિષયના બે ભાગ પાડ્યા હતા, પરંતુ ત્યારબાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન સરળ ગણિત એટલે કે બેઝિક ગણિત વિષય પસંદ કરનાર વિદ્યાર્થી સતત વધી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ગણિતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વર્ષ 2022માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનાર વિદ્યાર્થી 1,10,797 હતા જે વર્ષ 2025માં ઘટીને અંદાજિત 61,264 જેટલા થઇ ગયા છે એટલે કે 4 વર્ષમાં 49,533 વિદ્યાર્થી એટલે કે 55% વિદ્યાર્થી ઘટી ગયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10ની પરીક્ષામાં આ વખતે માત્ર આશરે માત્ર 7.26 ટકા વિદ્યાર્થીએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યો છે. આ વખતે ધો.10માં ગણિત વિષયમાં નોંધાયેલા આશરે 8.43 લાખ પૈકી માત્ર 61264 વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિત વિષયની પરીક્ષા આપવાના છે. જ્યારે બાકીના 7.81 લાખ વિદ્યાર્થી ગણિત બેઝિક સાથે પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. ગણિત સ્ટાન્ડર્ડ વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા 4 વર્ષમાં જંગી ઘટાડો થયો છે. સામાન્ય રીતે જયારે ગણિત વિષયને બે ભાગ કરવામાં આવ્યા ત્યારે બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ પસંદ કરતા હોય છે જ્યારે સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનારા વિદ્યાર્થી A ગ્રૂપ પસંદ કરતા હોય છે. પરંતુ હવે બોર્ડે નિયમમાં બદલાવ કર્યો છે.