હાલાર ક્લબ દ્વારા અશ્વોની એન્ડયુરન્સ હરિફાઈનું આયોજન

રાજકોટથી 9 કિલોમીટર દૂર ઈશ્વરીયા ગામ ખાતે હાલાર ક્લબ દ્વારા અશ્વ સવારીની તાલીમ અને અશ્વ સંબંધી જુદી-જુદી પ્રવૃત્તિઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આવતીકાલે તા.12 જાન્યુઆરીને રવિવારના રોજ ઇશ્વરિયા ખાતે 20 તથા 40 કિલોમીટર અંતરની અશ્વની એન્ડયુરન્સ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની મોટી હરીફાઈનું આયોજન રાજકોટમાં સતત ચોથી વાર કરવામાં આવી રહ્યું છે.

હરિફાઈ સવારના 6થી 11 વાગ્યા સુધી ચાલશે આવતીકાલે તા.12 જાન્યુઆરીના વહેલી સવારે 6 વાગ્યે એન્ડયુરન્સ સવારીની શરૂઆત કરવામાં આવશે અને 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. હરીફાઈમાં નિર્ણાયક તરીકે ઇન્ડીગીનસ હોર્સ એસોસિએશન ઓફગુજરાત (IHAG)ના નિષ્ણાતો સેવા આપશે. સાથે પશુ ચિકિત્સક સેવાઓ ડો. હઠીસિંહ સિસોદિયા અને ટીમ, પોરબંદર દ્વારા પ્રદાન કરવામાં આવશે.

એન્ડયુરન્સ હરીફાઈ એ લાંબા અંતરની સવારીની હરીફાઈ છે, જેમાં અલગ-અલગ ભૂ. પ્રદેશ અને હવામાનની વિવિધતાને આવરી લેવામાં આવે છે. એન્ડયુરન્સ હરીફાઈમાં અશ્વની શારીરિક ચુસ્તતા, શિસ્ત અને સહનશક્તિ તેમજ અશ્વ સવારની અશ્વ હાંકવાની કુશળતાની પરીક્ષા થાય છે. એન્ડયુરન્સ હરીફાઈમાં ભાગ લેવો અને પૂર્ણ કરવું એ ભાગ લેનાર માટે એક સિદ્ધિ ગણાય છે. એન્ડયુરન્સ સવારીમાં અશ્વ અને સવારને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, જે સામાન્ય સવારીમાં કરવો પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *