રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી શહેરમાં કામો કરવામાં આવતા હોય છે. આવા તમામ કામોની સાઇટ પર કોન્ટ્રાકટરના નામ, ક્યુઆર કોડ, બારકોડેડ, મોબાઈલ નંબર, ટેન્ડરની શરતો, ગેરેંટી પીરીયડ, કામની કિંમત સહિતની વિગતો મૂકવાનું મહત્વનું સૂચન શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કર્યુ છે. જેનાથી લોકોને પણ ખ્યાલ આવશે કે કઈ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા કેટલા સમયમાં કયા પ્રકારનું કામ કરવામાં આવ્યું. આ પ્રકારે પારદર્શકતા જળવાઈ રહેશે તેવી વાત પણ કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં પ્રમુખે જણાવ્યું છે કે, કોર્પો. દ્વારા ચાલી રહ્યા હોય તેવા દરેક કામોના ઓવરબ્રિજ, અંડરબ્રિજ કે રસ્તાના જે પણ કામો હાલ ચાલી રહ્યા હોય અને વર્તમાનમાં પુરા થાય ત્યારે તે દરેક કોન્ટ્રાક્ટરનું નામ, ક્યુઆર કોડ, બારકોડેડ, મોબાઈલ નંબર, ટેન્ડર ની શરતો મુજબ કામ પૂર્ણ થવાની તારીખ રાજકોટની જનતાને દેખાય તે પ્રકારે સાઈન બોર્ડમાં મુકવા જોઇએ. રસ્તા કે બ્રિજનું કામ કેટલા કરોડમાં આપવામાં આવ્યું તે પણ લખવું જોઇએ. રસ્તાનો ગેરેન્ટી પિરિયડ પણ મૂકવામાં આવે તો લોકોને સાચી માહિતી મળી શકે.