રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ 18મી જાન્યુઆરીએ મળશે જેમાં શાસકપક્ષના 16 કોર્પોરેટર 32 પ્રશ્ન જ્યારે વિપક્ષના 6 પ્રશ્ન રજૂ કરવામાં આવશે. શાસકોએ પ્રથમ પ્રશ્નો પૂછયા હોય વિપક્ષના પ્રશ્નોની બોર્ડમાં ચર્ચા જ ન થાય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. સૌપ્રથમ વોર્ડ નં.5ના કોર્પોરેટર હાર્દિક ગોિહલ બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની સહિતની શાખાની વોર્ડ વાઇઝ કામગીરી અને નવા ભળેલા વિસ્તારો મોટા મવા, માધાપર, મુંજકા અને મનહરપુર ગામમાં રાજકોટ મનપાએ શું કામગીરી કરી અને હવે શું કરશે તે અંગેનો પ્રશ્ન રજૂ કરશે.
આમ નવા વર્ષના પ્રથમ જનરલ બોર્ડમાં પ્રજાલક્ષી પ્રશ્ન પૂછાશે કે પછી સામ સામે માત્ર આક્ષેપબાજી જ થશે તે જોવાનું રહ્યું. જનરલ બોર્ડમાં બીજા ક્રમે વોર્ડ નં. 5ના જ રસિલાબેન સાકરિયા સોલાર પેનલથી કેટલા રૂપિયાની વીજબચત થઇ અને ભવિષ્યમાં કયા સરકારી બિલ્ડિંગ પર સોલાર મુકાશે તેવો પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે ત્યારબાદ ક્રમશ: શાસક પક્ષના કોર્પોરેટર પ્રશ્ન રજૂ કરશે. વિપક્ષના કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ બજેટમાં મંજૂર થયેલા કામ કેટલા પૂર્ણ થયા, વાર્ષિક વહીવટી અહેવાલ કેમ પ્રસિધ્ધ કરાયો નથી તે સહિતના પ્રશ્ન પુછ્યા છે.