ધોરાજીના શ્રમિક પરિવારની એક બાળકીને જન્મજાત ફાટેલા હોઠ, તૂટેલા તાળવાની બીમારી હતી જેનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત નિશુલ્ક ઓપરેશન કરી બાળકીને નવું જીવન અપાયું હતું. આ યોજના ધોરાજીના શ્રમિક પરિવાર માટે ઉપયોગી બની રહી હતી. ધોરાજીમાં મજૂરીકામ કરતા એક પરિવારમાં 12 જુલાઇ, 2021ના એક બાળકીનો જન્મ થયો હતો. બાળકીના પિતા ઇકબાલભાઇ, પરિવારજનોએ ખૂબ જ હરખભેર તેનું નામ જેનબ પાડ્યું.
પરંતુ બાળકીના હોઠ અને તાળવું જન્મજાત તુટેલું હોય તે જોઇ દીકરીના માતા-પિતા દુખી થઇ ગયા હતા, આ પરિવારે આર.બી.એસ.કે.ની મેડીકલ ટીમની મદદ લીધી હતી અને તબીબે બાળકનું સ્ક્રિનિંગ કર્યું તેમાં જણાયું કે, આ બાળક જન્મથી જ ક્લેફ્ટ લીપ, ક્લેફ્ટ પેલેટની ખામી ધરાવે છે. આથી ટીમના ડો.કુલદીપ મેતા અને ડૉ. ધ્રુવી માતરિયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વછાણીએ સહાનુભૂતિપૂર્વક પરિવારને સમજાવ્યો હતો કે સરકારની યોજના અંતર્ગત જ બાળકીનું ઓપરેશન, સારવાર મફત કરવામાં આવશે. જેથી બાળકીના પરિવારજનો તૈયાર થતા જેનબને હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી જ્યાં તબીબોએ સફળ સર્જરી કરી હતી. જો કે તબીબો સામે પડકાર અનેક હતા જેમકે બાળકીનુ ઓછું વજન, લોહીની ટકાવારી ઓછી તથા બાળકી વારંવાર બીમાર પડતી હોવાથી વજન તથા લોહીની ઉણપ દૂર થયા બાદ ઓપરેશન કરાયુ હતુ.