રાજકોટ આરટીઓમાં જ્યારે ટૂ વ્હિલર કે ફોર વ્હિલર માટેની નવી સિરીઝ ખૂલે ત્યારે નંબર પ્રેમીઓની વાહનમાં મનગમતા નંબર લેવા માટે મોટી સંખ્યામાં ઓનલાઈન અરજી કરતા હોય છે. નવા વાહનોમાં પસંદગીના નંબર લેવા લોકો લાખો રૂપિયા ખર્ચી નાખતા પણ અચકાતા નથી. ટૂ વ્હિલર હોય કે ફોર વ્હિલર ક્યારેક વાહનની કિંમત કરતા બમણી કે ત્રણ ગણી કિંમત પણ વાહનના નંબર માટે રાજકોટના નંબરપ્રેમી વાહનચાલકો ખર્ચ કરતા હોય છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2024ના એક વર્ષ દરમિયાન ટૂ વ્હિલર અને ફોર વ્હિલરમાં મનગમતા નંબર લેવા માટે રાજકોટના વાહનચાલકોએ 15 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું આરટીઓ દ્વારા જાહેર કરેલા આંકડા દર્શાવે છે.
આર.ટી.ઓ. દ્વારા ખાસ વાહન નંબર કે જેમાં ગોલ્ડ અને સિલ્વર કેટેગરી ઉપરાંત અન્ય ફેન્સી નંબર મેળવવા માટે ઓનલાઇન હરાજી કરવામાં આવે છે, જેમાંથી ગત વર્ષે કુલ 30,837 વાહનના નંબર માટે હરાજી કરવામાં આવી હતી. જેમાં ટૂ-વ્હિલર કેટેગરીમાં રૂ.18,83,500 તેમજ ફોર-વ્હિલર કેટેગરીમાં રૂ.74,93,00 અને અન્ય મળીને આર.ટી.ઓને કુલ રૂ.15,18,45,500 ની આવક થઈ હોવાનું આરટીઓ અધિકારી કેતનસિંહ ખપેડે જણાવ્યું છે. 2024માં રાજકોટમાં 71 હજાર ટૂ-વ્હિલર, 27 હજાર કાર સહિત 1.10 લાખ નવા વાહન ખરીદાયા.
1.34 લાખ અરજદારોએ ઘેરબેઠાં લાઇસન્સ સંબંધિત કામગીરી કરી લાઇસન્સ સંબંધી સેવાઓ જેવી કે લર્નિંગ લાઇસન્સ, ડુપ્લિકેટ લાઇસન્સ, લાઇસન્સ રિન્યૂઅલ, નામ સરનામું બદલવા સહિતની 76,256 અરજી પૈકી 75,423 જેટલી અરજીનો ઓનલાઈન નિકાલ કર્યો. જ્યારે વાહન સંબંધી સેવાઓમાં આર.સી.માં ડુપ્લિકેટ, ઓનરશિપ, નામ, સરનામામાં ફેરફાર, તેમજ પરમિટ સંબંધી 59,225 જેટલી અરજીઓ પૈકી 58,618 ઓનલાઇન અરજીનો નિકાલ કર્યો જેમાં કુલ 1.34 લાખથી વધુ લાભાર્થીને ઘેરબેઠાં સેવાનો લાભ મળ્યો હતો.