સમીર શાહ અને તેના ભાઇને ચેક રિટર્નના કેસમાં દોઢ-દોઢ વર્ષની સજા

રાજકોટની બેન્કમાંથી કેશ ક્રેડિટ ઉપર લીધેલી લોન પેટે આપેલો રૂ.65 લાખનો ચેક બેન્કમાંથી રિટર્ન થવાના કેસમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમીર શાહ અને તેના ભાઇ શ્યામ શાહને અદાલતે દોઢ-દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો છે. તેમજ વળતરની રકમ ન ચૂકવે તો વધુ 6-6 માસની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમીર મધુકાંત શાહ અને શ્યામ મધુકાંત શાહે તેની ભાગીદારી પેઢીના વિકાસ માટે નાણાકીય સવલતોની જરૂરિયાત હોવાથી કોન્સોર્ટિયમ ફાઇનાન્સ અંડર લીડ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા કે જેમાં બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે તેમાંથી રૂ.21-25 કરોડની કેશ ક્રેડિટ મંજૂર કરવામાં આવી હતી. જેમાં બેન્ક ઓફ ઇન્ડિયાએ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો પાસે બેન્કની લેણી રકમ તેમજ ઓવરડ્યુ રકમની માગણી કરતાં બન્ને ભાઇઓએ ભાગીદારી પેઢીનો રૂ.65 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક પરત ફર્યો હતો.

આથી બેન્ક ઓફ ઇન્ડિયાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ-138 મુજબ કેસ દાખલ કર્યો હતો. આ કેસ ચાલી જતા અદાલતે બેન્ક ઓફ ઇન્ડિયાએ રજૂ કરેલા પુરાવા ધ્યાનમાં લઇ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર સમીર શાહ અને તેના ભાઇ શ્યામ શાહને તક્સીરવાન ઠરાવીને 18-18 માસની સજાનો હુકમ કર્યો હતો. તેમજ એક માસમાં બેન્કને વળતરની રકમ ચૂકવી આપવા બન્ને ભાગીદારોને આદેશકર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *