સરકારે રાજ્યના યુવાનો ઉચ્ચ શિક્ષણ થકી પોતાના સંશોધનને વિશ્વકક્ષાનું બનાવી શકે અને તેમાં આર્થિક રીતે કોઈ અડચણ ઊભી ન થાય તે માટે પીએચ.ડી કરતાં વિદ્યાર્થીઓ માટે સ્કીમ ઓફ ડેવલપિંગ હાઇ ક્વોલિટી રિસર્ચ (SHODH) યોજના લાગુ કરી છે. જેમાં સંશોધનકર્તા વિદ્યાર્થીને 2 વર્ષ સુધી માસિક રૂપિયા 15 હજાર અને આ સિવાય સ્ટેશનરી, કેમિકલ સહિતની ખરીદી માટે વાર્ષિક 20 હજારની મદદ કરી રહી છે. એટલે કે એક વિદ્યાર્થીને વર્ષે રિસર્ચ માટે રૂ.2 લાખ મળશે. તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીમાં પીએચ.ડી. હેઠળ સંશોધન કરતાં જે વિદ્યાર્થીઓની શોધ યોજના હેઠળ પસંદગી થઇ છે તેની યાદી જાહેર કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 90 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓને આગામી બે વર્ષ સુધી સંશોધન કરવા માટે દર મહિને 15 હજારની ફેલોશિપ મળશે.
શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતા વિકસાવવા તથા સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા શોધ યોજના શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની યુવા પ્રતિભાઓ મુખ્યમંત્રીની આ શોધ યોજનાનો લાભ લઈ તેમના સપનાની ઉડાન ભરી દીધી છે. આ યોજનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જે પૈકી 90 જેટલા વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જ SHODH સ્કીમનું પરિણામ જાહેર કરાયું છે જેમાં રાજ્યમાં જુદી જુદી સરકારી-ખાનગી યુનિવર્સિટીના કુલ 852 વિદ્યાર્થી પસંદગી પામ્યા છે.