વીંછિયાના થોરીયાળી ગામે કોળી યુવાનની હત્યાના મુખ્ય આરોપીને રૂરલ પોલીસે ચોટીલા પંથકમાંથી દબોચી લીધો હતો. જ્યારે અન્ય બે આરોપીન હજુ પણ પોલીસ સકંજાથી બહાર હોઇ તેમની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વીંછિયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરાએ ગામના જ રબારી સમાજના લોકો સામે લેન્ડગ્રેબિંગની અરજી કરી હતી. તેનો ખાર રાખી આરોપીએ ઘનશ્યામભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બનાવ બાદ વીંછિયા મામલતદાર કચેરી ખાતે આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને બીજી માંગણીઓ સબબ કોળી સમાજના લોકો ધારણા પર બેસી ગયા હતા.
જો કે ગઈકાલે દિવસ દરમિયાન કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવી, આરોપીએ સરકારી જગ્યામાં ખડકી દીધેલા મકાન દૂર કરવા જેવી તંત્ર પાસે માંગણી કરી હતી. દિવસ દરમિયાન સમજાવટ ચાલી હતી પરંતુ સાંજે કલેક્ટરે પરિવારજનોની અને સમાજના આગેવાનોની વ્યાજબી માંગણી પૂરી થશે તેવી ખાતરી આપતા આ બનાવનો સુખદ અંત આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી હત્યાનો ભોગ બનનાર ઘનશ્યામભાઈ રોજાસરાના મૃતદેહને પરિવારજનોએ સ્વીકારી થોરીયાળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અગ્નિસંસ્કાર કર્યા હતા. દરમિયાન આ હત્યાના મુખ્ય આરોપી શેખા ગભરૂભાઇ સાંબડને ઝડપી લેવા રૂરલ એલસીબી, રૂરલ એસઓજી તથા વીંછિયા પોલીસની અલગ-અલગ ટીમ બનાવાઇ હતી. જેમાં હત્યાનો મુખ્ય આરોપી શેખા સાંબડ ચોટીલા પંથકમાં હોવાની બાતમી મળતા તેને દબોચી લેવાયો હતો.