ધોરાજીના હાર્દ સમા ત્રણ દરવાજા વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલા રેંકડી અને લારીગલ્લા સહિતના દબાણો હટાવીને કુલ મળીને 1100 વાર જમીન કે જેની કિંમત 22 લાખ થવા જાય છે તે ખુલ્લી કરાવાઇ હતી. જો કે સંઘર્ષ થવાની સંભાવનાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
ધોરાજીમાં નાયબ કલેકટર નાગાજણ એમ. તરખાલા, નાયબ પોલીસ વડા. સિમરન ભારદ્વાજ અને નગરપાલિકાના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ આજે સવારે આ જગ્યામાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જો કે રેંકડી ધારકો દ્વારા અગાઉ દબાણ હટાવવા મુદ્દે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેમજ કોર્ટ સમક્ષ દાદ માગવામાં આવી હતી. જો કે કોર્ટે દ્વારા લારી ધારકોની અરજી સ્વીકારવામાં આવી ન હતી. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લારી ધારકોને સમજાવટ પૂર્વક લારી હટાવવાનું જણાવાયું હતું અને બાદમાં જેસીબી વડે નડતરરૂપ ઓટા સહિત દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉપરાંત સુધરાઈ કોલોની નજીક જાહેર રસ્તા પર થયેલા દબાણને પણ હટાવવામાં આવ્યું હતું. ત્રણ દરવાજા પાસે લારી ધારકોના દબાણની આશરે 1000 ચો. વાર જમીન કિંમત અંદાજિત 20 લાખ રૂ. અને સુદાઈ કોલોની પાસેની 100 ચો. વાર જમીન અંદાજિત કિંમત રૂ. બે લાખ મળી બંનેથી 1100 ચોરસ વારનું દબાણ 22 લાખની કિંમતની જમીન ખુલ્લી કરાઇ હતી.