રાજકોટ રનર્સ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા શનિવારે શહેરમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 હજાર દોડવીર મેરેથોનમાં જોડાયા હતા અને સ્પર્ધાના એક દિવસ પહેલાં પોલીસ કમિશનર ઝાએ ટ્રાફિકને અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રસ્તા તો બંધ કરી દીધા હતા, પરંતુ તેની સાથે ફિલ્ડ પર ટ્રાફિક વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે પોલીસની હાજરી હોવી જોઇએ તે નહીં હોવાથી બે કલાક સુધી લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા અને 45 મિનિટ સુધી એમ્બ્યુલન્સ પણ મોડી પડી હતી. રેસકોર્સથી શરૂ થયેલી 10 કિલોમીટર અને 21 કિલોમીટરની હાફ મેરેથોન રેસકોર્સથી શરૂ થઇ રૈયા રોડ, હનુમાનમઢી ચોક, રૈયા ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધી અને ત્યાંથી પરત રેસકોર્સ સુધીનો રૂટ દોડવીર માટે નક્કી થયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ એક દિવસ અગાઉ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને કેટલાક માર્ગો પર વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. શનિવારે રાત્રે નવ વાગ્યે હાફ મેરેથોન શરૂ થઇ ગઇ હતી. દોડવીરો નિશ્ચિત રસ્તા પર દોડવા લાગ્યા હતા. વાહન ત્યાંથી પસાર ન થાય તે માટે અગાઉથી તેે માર્ગો પર બેરિકેડ લગાવી દેવાયા હતા.
રસ્તા બંધ કરીને વાહનચાલકોને જ્યાંથી જવા માટેની સૂચના અપાઇ હતી તે એ વિસ્તારની અંદરની શેરીઓમાં વાહનો સામસામે આવી ગયા હતા. શેરીઓ વાહનોથી ફુલ થઇ ગઇ હતી. વાહન આગળ ધપી શકતા નહોતા. વાહન ચાલકો તો હેરાન થઇ ગયા હતા સાથે એ વિસ્તારના રહીશો પણ ઘરની બહાર નીકળી શકતા નહોતા. ટ્રાફિકજામમાં 15 એમ્બ્યુલન્સ પણ ફસાઇ હતી. અેમ્બ્યુલન્સ 45 મિનિટ મોડી નિશ્ચિત સ્થળે પહોંચી હતી.