પડધરી તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગના બાંધકામનું કામ પૂર્ણ થઇ જતા હવે તેના લોકાર્પણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને સંભવત: આગામી 16મીએ પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરાશે. હાલમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ દ્વારા લોકાર્પણ કોના હસ્તે કરાવવું તેની યાદી બનાવવા કવાયત કરી રહ્યા છે.
પ્રમુખ હેતલબેન રોહિતભાઇ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પડધરી તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનું બાંધકામની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને હવે લોકાર્પણ માટે ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા તૈયારી શરૂ કરાઇ છે. સંભવત: આગામી 16મીએ તેનું લોકાર્પણ કરાશે. તાલુકા પંચાયતનું આ બે માળનું બિલ્ડિંગ અંદાજે રૂ.3 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તેમાં આશરે 12 હજાર સ્ક્વેર ફૂટ જેટલું બાંધકામ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 9 ચેમ્બર અને 1 હોલ તથા પ્રથમ માળે 2 હોલ અને 5 ચેમ્બર બનાવવામાં આવી છે. જેમાં એક કોન્ફરન્સ રૂમનો પણ સમાવેશ થાય છે. જેમાં પંચાયતની વિવિધ સમિતિઓ અને સાધારણ સભાની બેઠક યોજી શકાશે. આ બિલ્ડિંગના લોકાર્પણ માટે કેબિનેટ મંત્રીને બોલાવવા વિચારણા ચાલી રહી છે. જેના માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.