રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર આવેલા નવાગામમાં વર્ષ 2022માં 17 વર્ષની સગીર દીકરીના લગ્ન ભાવનગરના રંધોળા ગામના યુવાન સાથે કરાવવા બદલ વરરાજા, કન્યાના માતા-પિતા અને ગોર મહારાજ વિરૂદ્ધ સમાજ સુરક્ષા અધિકારીએ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટ સમાજ સુરક્ષા અધિકારી અને બાળ લગ્ન પ્રતિબંધિક અધિકારી તરીકે ફરજ બજાવતાં સંતોષભાઈ રાઠોડે ફરિયાદમાં આરોપી તરીકે વરરાજા અશોક દેવા મેટાડીયા, વરરાજાના પિતા દવશીભાઈ મેટાળીયા, વરરાજાની માતા જયાબેન, કન્યાના પિતા અમરશીભાઈ રાઠોડ, માતા મંજુબેન અને ગોર મહારાજ મુકેશ લીલાધર મહેતાનું નામ આપતાં કુવાડવા પોલીસે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓની કચેરીમાં એક મહિલાએ તા.13.04.2022ના બાળ લગ્ન થયા અંગેની અરજી કરી હતી. જે અંગે તપાસ કરવામાં આવતાં જેના બાળ લગ્ન થયા હતા. નવાગામમાં રહેતી દીકરીને કચેરીએ રૂબરૂ બોલાવી પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતાના લગ્ન તા 02.02.2022ના નવાગામ (આંણદપર)માં રંધોળા ગામના અશોક સાથે બંને પરીવારની હાજરીમાં થયા હતા. જે તપાસમાં દીકરીના જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડયાનું પ્રમાણપત્ર માંગવામાં આવતા જેમાં કન્યાની ઉંમર લગ્ન તારીખ 16 વર્ષ 11 માસ અને 6 દિવસ હતી તેમજ વરરાજા અશોકની ઉંમર લગ્નના દિવસે 28 વર્ષ 12 દિવસ હતી. જેથી લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ભંગ કરીને ગુન્હો કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.