રાજકોટ શહેરની આજીનદી ઉપર આવેલા બેઠા પુલને લઈને તાજેતરમાં દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને લઈને હવે કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દે તંત્રને ઘેરવાનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આજે કોંગ્રેસનાં આગેવાનોએ તૂટેલા પુલની વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહીં બેઠા પુલનાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો અને હજારો લોકોનાં હિત માટે તાત્કાલિક બેઠા પુલનું સમારકામ કરવાની માગ કરી હતી. ત્યારે હવે કોર્પોરેશન તંત્ર દ્વારા આ અંગે ક્યારે અને શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.
પ્રાપ્ત વિગત મુજબ, ખત્રીવાડ તરફથી બેડીપરા બાજુ જવા માટે રાજાશાહી વખતમાં આજીનદી ઉપર બેઠા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને લઈ બેડીપરા ખાતે આવેલા વિવિધ વિસ્તારમાં રહેતા હજારો લોકોને અવરજવર માટે આ પુલ ઉપયોગી બન્યો હતો. જોકે બ્રિજ ઘણો નિચો હોવાથી અને રેલિંગ નહીં હોવાથી ચોમાસા દરમિયાન લોકોને હાલાકી પડતી હતી, પરંતુ ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે આ પુલ તૂટી જવાથી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. ત્યારથી આ બેઠા પુલમાં લોકો મોટી માત્રામાં કચરો ઠાલવી રહ્યા છે અને બેડીપરાથી ખત્રીવાડ તરફ રોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.