ધોરણ 12 સુધી અભ્યાસ કરી પ્રેક્ટિસ કરવા લાગેલો નકલી ડોક્ટર ઝડપાયો

તબીબી વિદ્યાશાખાનો અભ્યાસ કર્યા વગર, કોઇપણ પ્રકારની ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં નકલી ડોક્ટરને સમયાંતરે પોલીસ પકડતી હોય છે. શનિવારે સાંજે ખોરાણામાંથી પોલીસે ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર નકલી ડોક્ટરને ઝડપી લઇ ક્લિનિકમાંથી દવા અને બાટલા સહિત કુલ રૂ.20510નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

શહેરની ભાગોળે કુવાડવા નજીકના ખોરાણામાં રામજી મંદિરની બાજુમાં આવેલી ધ્વનિ ક્લિનિકમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા વ્યક્તિ પાસે તબીબીની કોઇપણ ડિગ્રી નથી અને તે નકલી ડોક્ટર છે તેવી માહિતી મળતાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ અને નારણભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ પહોંચી ત્યારે ધ્વનિ ક્લિનિકમાં ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો અને તેના ટેબલ પર સ્ટેથોસ્કોપ હતું, બાજુમાં દવાનો જથ્થો હતો, આ વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ હિરેન મહેશ કાનાબાર (ઉ.વ.36) હોવાનું કહ્યું હતું. પોલીસે અભ્યાસ અંગે પૂછતાં હિરેને પોતે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યાની અને તબીબી કોઇપણ ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની કબૂલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *