શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પ્રેમી સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી યુવતીને પાડોશમાં રહેતા શખ્સે જ્ઞાતિ અંગે હડધૂત કરી હતી. અગાઉ પણ બે વખત યુવતી સાથે બેહુદું વર્તન કર્યું હતું. ગાંધીગ્રામની ગાંધીનગર સોસાયટીમાં રહેતી 25 વર્ષની યુવતીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે યશરાજ રાઠોડનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પાંચેક વર્ષથી યુવક સાથે લિવ ઇન રિલેશનમાં રહે છે અને બંને આર્થિક સક્ષમ થઇ જશે ત્યારે લગ્ન કરશે તેવો નિર્ણય કર્યો છે. એકાદ વર્ષ પહેલાં પોતે જૂનાગઢ લૌકિકના કામે ગઇ હતી ત્યારે પાડોશી મહિલાનો ફોન આવ્યો હતો અને તેમણે રડતાં રડતાં કહ્યું હતું કે, પાડોશી યશરાજે મહિલાને કહ્યું હતું કે, તમારે યુવતીના પ્રેમી સાથે લફરું છે. યુવતી જૂનાગઢથી રાજકોટ પરત આવી ત્યારે યશરાજની માતાને આ અંગે વાત કરી હતી. એ સાંજે યશરાજે યુવતી સાથે ઝઘડો કરી તેને જ્ઞાતિ અંગે હડધૂત કરી હતી.
બાદમાં પણ યશરાજનો ત્રાસ યથાવત્ રહ્યો હતો અને તેણે ગત તા.20ના ફરીથી યુવતીને ગાળો ભાંડી જ્ઞાતિ અંગે હડધૂત કરી હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો.