હિટ એન્ડ રન સહિતના અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારજનોને તથા અકસ્માતમાં ગંભીર ઇજા થનારને આર્થિક સહાય કરતી રાજ્ય સરકારની સ્કીમનો ભોગ બનનારના પરિવારજનોને લાભ મળે તેવા હેતુથી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે અને આ કામગીરીને પગલે અકસ્માતમાં મૃત્યુ પામનાર 19ના સ્વજનને કુલ રૂ.38 લાખની સહાય ચૂકવવામાં પોલીસ મદદરૂપ બની છે.
રાજકોટ શહેર ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લાગુ કરેલી હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ 2022ની અસરકારક રીતે અમલવારી કરવા માટે ટ્રાફિક શાખા દ્વારા એક નવુું ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. આ સ્કીમ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારને રૂ.2 લાખ અને ગંભીર ઇજા થનારને રૂ.50 હજાર મળવાપાત્ર છે. આ માટે વારસદારે નિયમ મુજબના ફોર્મની સાથે અકસ્માતની એફઆઇઆર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ઇન્જરી સર્ટિફિકેટ, પોલીસ રિપોર્ટ સહિતના દસ્તાવેજો તૈયાર કરી મામલતદાર કચેરીમાં રજૂ કરવાના રહેશે.