રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઇ યોજના અંતર્ગત રૂ.70 લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જસદણ પંથકની જીવાદોરી સમાન આલણસાગર તળાવના નીરનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું તેમજ તેમણે ડેમ અને કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતાં. વધુમાં જણાવ્યું હતું કે, આલણસાગર ડેમ તો જસદણ તાલુકાનું પાણિયારું કહેવાય, જેના જળનો લાભ લઈ સમગ્ર જસદણ પંથક સમૃદ્ધ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ અહીં વૃક્ષારોપણ, બેસવાના બાંકડા સહિતની વ્યવસ્થાઓ કરીને બ્યુટીફીકેશન પણ કરવામાં આવશે. હાલ જસદણ-વિંછીયા પંથકમાં કેનાલો પાકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આલણસાગર ડેમનું મરામત અને જાળવણી કામ અંદાજે રૂ.200 લાખના ખર્ચે કરાયું છે. જસદણ, બાખલવડ, ગઢડીયા, શિવરાજપુર, નાની લાખાવડ, ચિતલીયા, પોલારપર એમ કુલ 07 ગામોના લોકો અને 1200 થી વધુ ખેડૂતો આણલસાગર ડેમનો લાભ લઈ રહ્યા છે. આ ડેમમાં 496 M.C.F.T. જેટલો પાણીનો સંગ્રહ થઈ શકે છે. આ તકે અગ્રણી ભાવેશભાઈ વેકરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. નાયબ કાર્યપાલક ઇજનેર સ્મિતભાઈ ચૌધરી, અગ્રણીઓ અશોકભાઈ મહેતા સહિત અધિકારીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.