રાજકોટ બાર એસોસિએશનની શુક્રવારે ચૂંટણી યોજાનાર છે ત્યારે પ્રમુખપદ માટે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદાર, એક મહિલા અનામત અને 9 કારોબારી સમિતિના સભ્ય મળી કુલ 16 હોદ્દા માટે ચૂંટણી યોજાનાર છે જેના માટે ત્રણ પેનલ સહિત કુલ 51 ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેમાં પ્રમુખપદ માટે 6 ઉમેદવારે ફોર્મ ભર્યા છે, પરંતુ ચૂંટણી જંગ હકીકતમાં કાર્યદક્ષ પેનલના દિલીપ જોશી, એક્ટિવ પેનલના બકુલ રાજાણી અને સમરસ પેનલના પરેશ મારૂ વચ્ચે ખેલાનાર છે. તેવી જ રીતે ઉપપ્રમુખ માટે 3 ઉમેદવાર મેદાનમાં છે જેમાં પણ મયંક પંડ્યા, સુમિત વોરા અને નિરવકુમાર પંડ્યા વચ્ચે રસાકસીભર્યો જંગ ખેલાશે.
જ્યારે સેક્રેટરી પદ માટેની ચૂંટણીમાં સંદીપ વેકરિયા, વિનશ છાયા અને કેતન દવે વચ્ચે કાંટે કી ટક્કર થશે. જ્યારે જોઇન્ટ સેક્રેટરી પદ માટે કાર્યદક્ષ પેનલમાં જિતેન્દ્ર પારેખ અને સમરસ પેનલમાં ગિરીરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે એક્ટિવ પેનલે ગિરીરાજસિંહ જાડેજાને સપોર્ટ કર્યાનું ચર્ચાઇ છે. આ વખતે ભાજપ લીગલ સેલ ગત વખતની ચૂંટણીમાં પ્રમુખપદના ઉમેદવારના પરાજયના કારણે અલિપ્ત રહ્યું છે, પરંતુ અંદરખાને કાર્યદક્ષ પેનલના પ્રમુખ સહિતના અમુક સભ્યો, અમુક સમરસ અને અમુક એક્ટિવ પેનલના સભ્યોને સપોર્ટ કરી રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે. આ વખતે જ્ઞાતિનું સમીકરણ ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવી જાય તેવા સંકેતો મળી રહ્યા છે.