ધોરાજીમાં ડોર ટુ ડોર કચરો લેતા કર્મચારીઓની વીજળિક હડતાળ

ધોરાજી ડોર ટુ ડોર કચરા કલેકશનનાં કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતરી ગયા છે. પગારમાં અનિયમિતતા અને પીએફ ખાતાની કોઇ જાણકારી અપાતી ન હોવાની કર્મચારીઓની ફરિયાદો ઉઠવા પામી છે, આથી સંબંધિ એજન્સી સામે કાર્યવાહી કરવા સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કરાયો છે.

નગરપાલિકા સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ધોરાજી શહેરમાં 18 જેટલા ટીપર વાહન દ્વારા ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવે છે જેમાં 36 જેટલા ડ્રાઇવર અને હેલ્પર ફરજ બજાવી રહ્યા છે.આ કર્મચારીઓએ અચાનક હડતાળનું એલાન કરતાં કચરો એકત્રિત કરવાની કામગીરી થપ્પ થઈ જવા પામી છે જેને કારણે શહેરીજનોને હાલાકી ઉઠાવવી પડી રહી છે. ધોરાજીમાં ટીપર વાનના ડ્રાઇવર અને હેલ્પરએ નગરપાલિકા પટાંગણ ખાતે આવી શ્રીજી એજન્સી દ્વારા પોતાને સમયસર પગાર મળતો ન હોય તેમ જ પીએફની રકમ જમા થતી હોય તો એ અંગે કોઈ માહિતી આપતા ન હોવાની રજૂઆત કરી એજન્સી વિરુદ્ધ સૂત્રોચારો પોકારી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું અમને કાયમ પગાર બાબતે વિસંગતતા રહે છે. કયારેય સમયસર પગાર મળતો નથી. પીએફની રકમની કોઈ માહિતી અપાતી નથી, બીજી તરફ પાલિકા સુત્રોએ જણાવ્યું હતું કે કર્મચારીઓની જે પણ સમસ્યા હશે તેનું નિરાકરણ આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *