સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ છેલ્લા ત્રણેક વર્ષમાં એટલે કે વર્ષ 2021થી અત્યાર સુધીમાં આશરે 35 કરોડના જુદા જુદા 8 પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, પરંતુ તેમાંથી એકપણ વિકાસકામનો આજદિન સુધી વિકાસ નહીં થયો હોવાનું બહાર આવ્યું છે. જે-તે સમયના કુલપતિ અને ઉપકુલપતિએ 14 કરોડના ખર્ચે લેંગ્વેજ સેન્ટર, 10 કરોડના ખર્ચે ઓડિટોરિયમ સહિત કુલ આશરે 35 કરોડથી વધુ રકમના કામ કરવાની અને વિદ્યાર્થીઓને નવી સુવિધા-વ્યવસ્થા આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે શિક્ષણવિદો પણ જાણે નેતાઓની જેમ માત્ર જાહેરાત કરવા લાગ્યા હોય એમ જુદા જુદા 8 પ્રોજેક્ટ શરૂ ન કર્યા. છેલ્લા 3 વર્ષમાં ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર, સાઇકોલોજિકલ વેલનેસ સેન્ટર, ડેટા સેન્ટરની જાહેરાત કરી પછી સત્તાધીશો ભૂલી ગયા!
NAACની ટીમના ઇન્સ્પેક્શન વખતે યુનિવર્સિટીના કેટલાક અધ્યાપકોને બાદ કરતા મોટાભાગના અધ્યાપકોને અંગ્રેજી નહીં હિન્દી બોલવામાં ફાંફાં પડી ગયા હતા, પરંતુ યુનિવર્સિટીમાં લેંગ્વેજ સેન્ટર બનાવવાની મોટા પાયે જાહેરાત કરવામાં આવી હતી.
કુલ 14 કરોડના ખર્ચે લેંગ્વેજ સેન્ટર બનવાનું હતું જેમાંથી 8 કરોડ સરકારમાંથી મળવાના હતા. આ સેન્ટરમાં સ્પેનિસ, ફ્રેંચ અને જાપાનીઝ સહિત 12થી વધુ ભાષા વિદ્યાર્થીઓને શીખવવાના હતા. જેમાં યુનિવર્સિટી ઉપરાંત બહારની કોલેજોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઓડિટોરિયમ, ટીચર્સ ટ્રેનિંગ સેન્ટર, ડેટા સેન્ટર સહિતના આશરે 35 કરોડના વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી હતી જેનો વિકાસ હજુ સુધી થયો નથી.