રાજકોટ શહેરમાં બોગસ દસ્તાવેજ પ્રકરણમાં હવે શહેર કોંગ્રેસ સમિતિએ પણ ઝંપલાવ્યું છે અને આ કૌભાંડ રૂ.20 હજાર કરોડનું હોય તેની નિવૃત્ત હાઇકોર્ટ જજ પાસે તપાસ કરાવવા માગણી કરી છે.શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને અન્ય આગેવાનોએ એવી રજૂઆત કરી હતી કે, રાજકોટમાં રાજ્યના સૌથી મોટા 20 હજાર કરોડના પ્રાઇવેટ અને સરકારી ખરાબાની જમીનોના બોગસ દસ્તાવેજો બનાવી વેચી મારવાનું કારસ્તાન પ્રકાશમાં આવેલ છે ત્યારે રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બે ઓપરેટર અને એક વકીલે 17 બોગસ દસ્તાવેજ બનાવી વેચવાનું કૌભાંડ ખુલ્યું છે, પરંતુ અસલમાં આ કૌભાંડનો આંકડો ચોંકાવનારો અને તટસ્થ તપાસ માગી લે તેવો છે.
તાજેતરમાં સબ રજિસ્ટ્રાર કચેરી, અભિલેખાગાર કચેરી, મામલતદાર કચેરીના અધિકારીઓની મિલીભગત હોવાને પગલે ઓપરેટરો વકીલ અને સરકારના નિવૃત્ત કર્મચારીઓની સંડોવણી ખૂલી અને સરકારી ખરાબા પરની કે પ્રાઇવેટ જમીનો બોગસ દસ્તાવેજો બનાવી વેચી મારવા અંગે પોલીસમાં ગુનો નોંધાયેલ છે. જે અંગેની તપાસ ડીસીપીના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે ત્યારે ઓપરેટરો મહોરું છે.
ત્રણેય ઓફિસના કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી કે તેમની સહી વગર આ પ્રકારની હરકત થઈ શકે નહીં. આ પ્રકરણની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે અને જવાબદારોને જેલ ભેગા કરવા અમારી માંગ છે. આ અમારી લેખિત રજૂઆત અંગે આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ દિવસ 15માં કરવામાં નહીં આવે તો આપની કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવાની ફરજ પડશે.