રાજકોટ શહેર વોર્ડ નં.14ના ભાજપના વોર્ડ પ્રમુખ બનવા માટે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી માખેલાએ પોતાના જન્મના દાખલામાં ચેડાં કર્યા હતા. માખેલાના કરતૂતની પ્રદેશ ભાજપે ગંભીર નોંધ લીધી હતી અને તેનું ફોર્મ રદ કરવાની સૂચના આપી હતી.
ભાજપ દ્વારા સંગઠનની ચૂંટણી યોજવામાં આવી છે અને વોર્ડ પ્રમુખ માટે મહત્તમ 45 વર્ષની વય નક્કી કરી છે. રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી વિપુલ માખેલાએ વોર્ડ નં.14ના પ્રમુખપદ માટે દાવેદારી કરી ફોર્મ ભર્યું હતું અને પાર્ટીના ચૂંટણી અધિકારી માયાબેન કોડનાણી સહિતના આગેવાનો સમક્ષ જરૂરી પુરાવા પણ રજૂ કર્યા હતા.
50 વર્ષનો વિપુલ માખેલા વોર્ડ પ્રમુખ માટે ઉંમરથી લાયક નહીં હોવા છતાં તેણે પોતાના જન્મના દાખલામાં ચેડાં કરી પોતાની ઉંમર છ વર્ષ નાની બતાવી દાવેદારી નોંધાવી હતી. આ અંગેનો ભાંડાફોડ થતાં પ્રદેશ ભાજપ સુધી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. મંગળવારે પ્રદેશ ભાજપમાંથી શહેર ભાજપના હોદ્દેદારોને સૂચના મળી હતી કે, વિપુલ માખેલાનું ફોર્મ રદ કરવામાં આવે છે. આ ઉપરાંત માખેલાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે તેવા પણ નિર્દેશો આગેવાનોએ આપ્યા હતા.