ગોપાલ નમકીનમાં ગત સપ્તાહે આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. આ પ્રકરણમાં હવે ઔદ્યોગિક સલામતી વિભાગના અધિકારીએ તપાસમાં ઝંપલાવ્યું છે. જોકે ડિપાર્ટમેન્ટ એફ.એસ.એલ.ના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરશે.તેમજ જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગોપાલ નમકીનમાં પ્રોડક્શન અટકાવી દેવા માટે આદેશ કરવામાં આવ્યા છે. તેમ સૌરાષ્ટ્ર-કચ્છ ઔદ્યોગિક સલામતી કચેરી વિભાગના ડિરેક્ટર એન.આર.ચૌધરીએ જણાવ્યું છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ સબમિટ થયા બાદ ડિપાર્ટમેન્ટ આ રિપોર્ટ યોગ્ય છે કે નહિ તે અંગે તપાસ કરશે.રિપોર્ટ સબમિટ કરવા માટે કોઇ મર્યાદા હોતી નથી. નિયમ મુજબ સામાન્ય રીતે થર્ડ પાર્ટી દ્વારા આ રિપોર્ટ સબમિટ થતો હોય છે. રિપોર્ટ સબમિટ થયા બાદ ડિપાર્ટમેન્ટે આ રિપોર્ટમાં નીતિ- નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ કરશે. જોકે આની પહેલાં પણ ગોપાલ નમકીનમાં ફેક્ટરી એક્ટ મુજબની તપાસ કરવામાં આવી હતી, પરંતુ ક્યારે તપાસ કરાઇ હતી, તેમાં કોઈ ગેરરીતિ માલૂમ પડી હતી કે શું ? તે જાહેર કરવા અંગે આૈદ્યોગિક સલામતી કચેરીના ડિરેક્ટરે મૌન સેવી લીધું છે.