ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટના ડોક્ટર પતિ-પત્નીનો એક વિચિત્ર કેસ આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ બંનેના બાળકને લઈને સમાધાન કરાવવા હાઈકોર્ટના મીડિયેશન સેન્ટરમાં કેસ મોકલી આપવામાં આવ્યો હતો. જોકે, સમાધાન ન થતાં કેસ આગળ ચાલ્યો હતો. આખરે બંનેના છૂટાછેટા પર હાઈકોર્ટે મોહર મારી હતી.
રાજકોટ ફેમિલી કોર્ટના હુકમને પત્નીએ હાઈકોર્ટમાં પડકાર્યો કેસની વિગત જોતા ગુજરાત હાઈકોર્ટમાં રેડિયોલોજિસ્ટ ડોક્ટર પત્ની દ્વારા રાજકોટ ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારના પતિની છૂટાછેટાની માંગને ફેમિલી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. પતિએ પત્ની તરફથી આચરાતી ક્રૂરતાના ગ્રાઉન્ડને આધાર બનાવી છૂટાછેડા માંગ્યા હતા. જેને રાજકોટની ફેમિલી કોર્ટે માન્ય રાખ્યા હતા. તો બીજી તરફ પત્નીએ પોતાના લગ્ન અધિકાર માંગતી અરજી ફેમિલી કોર્ટમાં દાખલ કરી હતી જેને નકારી દેવામાં આવી હતી. જેથી આ બંને હુકમ સામે નારાજ થયેલી ડોક્ટર પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
પત્નીએ થેલેસેમિયા માઇનર હોવા છતાં જણાવ્યું નહોતું: પતિ બંને ડોક્ટર પતિ-પત્નીના લગ્ન માર્ચ 2012માં થયા હતા. આ પત્નીના બીજા લગ્ન હતા. પતિ-પત્નીની ઓળખાણ સૌપ્રથમ ઇન્ટરનેટના માધ્યમથી થઈ હતી. પતિ પહેલાં ભાવનગર રહેતો હતો. જોકે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કર્યા બાદ તેનું પોસ્ટિંગ રાજકોટ થયું હતું. પતિનો આક્ષેપ હતો કે, પત્ની પોતે થેલેસેમિયા માઇનર હોવા છતાં તેને આ વિશે લગ્ન પહેલાં જણાવ્યું ન હતું. વળી પત્ની સાસુ-સસરાનું અપમાન કરતી હતી અને આપઘાતની ધમકીઓ પણ આપતી હતી. ડોક્ટર પતિ પોતે પણ થેલેસેમિયા ગ્રસ્ત છે જેની તેણે લગ્ન અગાઉ પત્ની સમક્ષ સ્પષ્ટતા કરી હતી.