ગોંડલ પાસેના ટ્રાફિકથી ધમધમતો ઉમવાડા રોડ એક તો અત્યંત સાંકડો છે અને આ રોડ પર અનેક નાળા તેમજ પહોળી ખાઇ આવેલી હોય તેને રક્ષણાત્મક દિવાલ કે રેલિંગ ન હોવાથી ગમે ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ભીતિ છે. બીજી તરફ આ રોડ યાર્ડ જવા માટે મહત્વનો હોઇ ખેડૂતો, શાળાએ જવા માટે બાળકોની સ્કૂલ બસના ડ્રાઇવર્સ સૌથી વધુ કરતા હોઇ આ રોડ પર કોઇ ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં ત્યાં રેલિંગ મૂકવા માગણી ઉઠી છે.
ગોંડલનાં ઉમવાડા અંડરબ્રિજથી હાઇવે સુધીનો રોડ અત્યંત સાંકડો હોય અને હાલ આ રોડ પર વાહનોની ભારે અવરજવર હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ હોવાની રજૂઆત જાગૃત નાગરિકે માર્ગ મકાન વિભાગ, કલેકટર તથા ધારાસભ્યને કરી છે. ગોંડલનાં વિજયભાઈ પરમાર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે ઉમવાડા અંડરબ્રિજથી નેશનલ હાઇવે સુધીનો અંદાજે એક કિલોમીટરનો રોડ પંદર ફુટ પહોળો છે.રોડની બન્ને બાજુ ઉંડી ખાઇ તથા પહોળા નાળા આવેલા છે. હાલ ગુંદાળા રોડ ફાટક પર અંડરબ્રિજનું કામ ચાલતુ હોય ગુંદાળા રોડનો ટ્રાફિક ઉમવાડા રોડ પર ડાયવર્ટ થયો હોય આ રોડ સતત ટ્રાફિકથી ધમધમવાની સાથે મહત્વનો બન્યો છે.આ રોડ ઉંચાઇ પર હોય અને બન્ને બાજુ ખાઇ હોવાથી વાહનચાલકો જો જરા પણ ગફલત કરે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે.જો સ્કુલ બસ ચાલક ની એક જ ભુલથી મોટી દુર્ઘટના સર્જાય અને જાનહાની થાય તેવી સંભવના છે આથી અહીંની ખાઇ કે નાળાની બન્ને બાજુ રક્ષણાત્મક દિવાલો બનાવી રોડને પહોળો બનાવવા જણાવ્યુ છે.