શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીના કમ્પ્યૂટર ઓપરેટર સહિતની ગેંગે કરોડો રૂપિયાની જમીનના 17 દસ્તાવેજમાં ચેડાં કરી મસમોટું કૌભાંડ આચર્યું છે. ચેડાં કરાયેલા દસ્તાવેજમાં છેલ્લે જેની માલિકી બતાવવામાં આવી છે તેવા 11 પૈકીના અનેક આરોપી ડમી હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે હજુ આ દિશામાં તપાસ શરૂ કરી નથી. જોકે ભોગ બનનાર જમીનના માલિકના પુત્રએ તપાસ કરી તો મુંબઇના જે વ્યક્તિનું નામ દર્શાવ્યું છે તેવી કોઇ વ્યક્તિ જ નહીં હોવાનો ભાંડાફોડ થયો છે.
રૈયામાં 344.45 ચોરસ વારનો પ્લોટ ધરાવતાં સરોજબેન રુદ્રદતભાઇ રાવલનો જમીનનો પ્લોટ બારોબાર મનહરલાલ નૌતમલાલ કોટેચાને વેચાઇ ગયો હતો. આ બાબતે સરોજબેનના પુત્ર કૃષ્ણદત્ત રાવલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં લેખિત ફરિયાદો કરતાં 17 જમીનના નકલી દસ્તાવેજ બન્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
પોલીસના ચોપડે જે આરોપી છે તે જમીન ખરીદનાર મુંબઇના મનહરલાલ નૌતમલાલ કોટેચા, સિપાઇ બહાદુર ચાંદભાઇ, દેવેન્દ્ર કાંતિલાલ સંઘવી, સુરેશ દેવજી પરમાર, કરશન હરિયા અસ્વાર, જયસુખ નાનજી જોગી, ઉસ્માન ઇબ્રાહીમ કચરા, રસૂલ નશીર, રમેશ પરષોત્તમ મોદી, પરસાણા રણછોડ રાઘવજી અને ભાસ્કર જ્ઞાનદેવ જાદવની પોલીસે શોધખોળ શરૂ કરી છે અને એકપણ વ્યક્તિની હજુ સુધી ભાળ મળી નથી, પરંતુ કૃષ્ણદત્તભાઇ રાવલે તેમની જમીનના મામલે મુંબઇમાં મનહરલાલ કોટેચાની તપાસ કરતાં આવી કોઇ વ્યક્તિ જ નહી હોવાનું તેમની તપાસમાં ખુલ્યું હતું અને અલગ અલગ દસ્તાવેજમાં જે જમીન ખરીદનાર દર્શાવાયા છે તેમાંથી અનેક લોકો હયાત નહીં હોવાનું અને ડમી નામનો ઉપયોગ કરી કૌભાંડ આચરવામાં આવ્યાની શંકા સેવાઇ રહી છે.