રાજકોટ મનપા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત નાના બાકીદારોની સાથે જ મોટા મગરમચ્છોને પણ નોટિસો આપવામાં આવી રહી છે. આ પહેલા મનપા દ્વારા સરકારી કચેરીઓને બાકીનો મિલકત તેમજ પાણીવેરો ભરવા નોટિસો આપી હતી. ત્યારે હવે કોર્પોરેશન તંત્ર દ્વારા લાંબા સમયથી વેરો નહીં ચૂકવનાર 4 મોબાઈલ કંપનીઓને ટાવરોનો વેરો ભરવાની નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે મનપા તેમજ મોબાઇલ કંપનીઓ વચ્ચે ટેક્સના ભારાંક મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાને કારણે આ વેરો બાકી છે. આ છતાં મનપા દ્વારા નિયમ મુજબ નોટિસો આપી દેવામાં આવી છે. ત્યારે આ વેરો ક્યારે વસુલાય છે તે જોવું રહ્યું.
પ્રાપ્ત વિગત મુજબ મહાનગરપાલિકાએ રિલાયન્સ જીઓ, BSNL, રિલાયન્સ કોમ., ઉપરાંત GTL સહિતની કંપનીઓને નોટિસો ફરકારી દીધી છે. જેમાં BSNLને રૂ. 12,62,49,859 અને રિલાયન્સ કોમને રૂ. 5,06,26,818 તેમજ GTLને રૂ. 1,52,84,013 અને રિલાયન્સ જીઓને 32,31,452 સહિત ચાર કંપનીઓનો મળી કુલ રૂ. 19,53,91,872નો બાકીવેરો તાત્કાલિક ભરપાઈ કરવા જણાવાયું છે.