ગુજરાતમાં બરોબરનો ઠંડીનો માહોલ જામી ચૂક્યો છે. ભુજના નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે. કાતિલ ઠંડી સાથે બર્ફિલા પવનો ફૂકાતા લોકો ઘરની ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે, તો બજારો પણ 10 વાગ્યા બાદ ખૂલી રહી છે. આ સાથે જ રાજ્યના સાત જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાતા લોકો ઠુંઠવાયા છે.
બીજી તરફ રાજસ્થાનમાં સતત ત્રણ દિવસથી -2 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. તો -3 ડિગ્રી સાથે આબુનો માહોલ પણ કાશ્મીર જેવો મળી રહ્યો છે. બરફની ચાદર છવાતા લોકો ઠંડીની મજા પણ લઈ રહ્યાં છે.
ઉત્તર દિશા તરફથી આવતા બર્ફિલા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ આ પ્રકારે જ રહેવાની હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફુંકાતા દિવસે પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.