રાજકોટ શહેરમાં જે વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવામાં આવ્યો છે તેમાંથી અમુક વિસ્તારોમાં અશાંતધારાની અમલવારી કડક રીતે ન થઈ રહી હોવાનો સૂર ખુદ ભાજપના ધારાસભ્યોમાં ઉઠ્યો છે અને અશાંતધારાના ભંગ મામલે તેમણે કલેક્ટર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ પશ્ચિમ વિસ્તારના ભાજપના ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ દ્વારા આ મામલે ગઈકાલે જ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં વોર્ડ નંબર 1,2,3, 7 અને 8માં અશાંતધારાનું કડક રીતે અમલીકરણ થતું ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ અગાઉ નોટિસ આપ્યા પછી પણ રહેવાસીઓ દ્વારા કોઈ ગંભીરતા લેવામાં ન આવતી હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.
રાજકોટ પશ્ચિમ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, મારા વિધાનસભા મતવિસ્તારમાં જ્યારથી મેં પદ સંભાળ્યું ત્યારથી એટલે કે વર્ષ 2022થી અશાંતધારા બાબતે વિસ્તારવાસીઓની વારંવાર મને રજૂઆતો આવી રહી છે. મારા મત વિસ્તારમાં અમુક જગ્યાએ અશાંત ધારો લાગુ પણ કરવામાં આવ્યો છે. ત્યારે વિસ્તારવાસીઓની એવી રજૂઆતો આવી રહી છે કે, અશાંતધારાનો કાયદો લાગુ હોવા છતાં પણ તેનું કડક અમલીકરણ થઈ રહ્યું નથી. વારંવાર કાયદાનો ભંગ થતો હોવાનું જોવા મળી રહ્યું છે. જેથી આ બાબતને લઈને અમે ગઈકાલે વિસ્તાર વાસીઓને સાથે રાખીને કલેક્ટર સમક્ષ મળવા માટે ગયા હતા.