શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. આજી ડેમ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પત્નીના પ્રેમીએ હત્યા કરી નાસી જતા ક્રાઇમ બ્રાંચ, થોરાળા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી યુવકની પત્ની અને તેના પ્રેમીની શોધખોળ કરી છે.
પોલીસ સૂત્રોના જાણાવ્યા મુજબ આજી ડેમ ચોકડી પાસે ફૂટપાથ પર રહેતો અને મૂળ જેતપુરના પેઢલા ગામના મુકેશભાઇ અરજણભાઇ ગુજરાતી (ઉ.40) રાત્રીના ફૂટપાથ પાસે હતો ત્યારે માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાંચ પીઆઇ વસાવા, થોરાળા પીઆઇ વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દરમિયાન બનાવ બાદ એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં નીકળી હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.