RMCના 34માં કમિશનર સોમવારે ચાર્જ સંભાળશે

રાજકોટ મહાનગરપાલિકાના 34માં કમિશનર તરીકે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર સુમેરા આગામી સોમવારને 9 ડિસેમ્બરના રોજ ચાર્જ સંભાળશે. નવનિયુક્ત કમિશનર તુષાર સુમેરા એક સારા અધિકારી તરીકેની છાપ ધરાવી રહ્યા છે, પરંતુ રાજકોટમાં તેમની સામે અનેક પડકારો હોવાનું સામે આવ્યું છે. જેમાં મુખ્યત્વે TRP ગેમ ઝોન અગ્નિકાંડ પછી મનપામાં અધિકારીઓ-કર્મચારીઓ કામ કરવા તૈયાર ન હોવાનો ગણવણાટ અને તેમાં પણ 15 જેટલા તો રાજીનામાં આવી ચૂક્યા છે. ઉપરાંત મહત્વની શાખાઓમાં ઇન્ચાર્જ અધિકારીઓથી થતી કામગીરી તેમજ છેલ્લા 6 મહિનાથી અટકી પડેલી બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ બીયુ પરમિશન, પ્લાન કંપ્લીશન, ફાયર NOC સહિત અનેક પ્રશ્નોની હારમાળા છે. ત્યારે હવે 34માં કમિશનર તરીકે ચાર્જ સાંભળ્યા બાદ તુષાર સુમેરા આ તમામ પડકારોને સુપેરે પાર પાડશે કે પછી તેઓ પણ અગાઉના કમિશનર માફક કંટાળીને આ જગ્યા છોડવા માટે ટૂંકા ગાળામાં રજૂઆત કરશે તે જોવું મહત્વનું રહેશે.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ પછી રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ કામ સરળતાથી થઇ શકતા નથી. અધિકારી અને કર્મચારીઓમાં એક ફફડાટ જોવા મળી રહ્યો છે. તેવામાં છ મહિનાની અંદર તત્કાલીન કમિશનર દેવાંગ દેસાઈ લાંબી રજા પર ઉતરી ગયા બાદ અચાનક તેઓની બદલી આવતા મનપા કચેરીમાં તરહ-તરહનો ચર્ચાઓ ચાલી રહી છે. આ બધા વચ્ચે હવે આગામી સોમવારને તારીખ 9 ડિસેમ્બરના રોજ મનપાના નવા કમિશનર તરીકે તુષાર સુમેરા ચાર્જ સંભાળનાર છે. ત્યારે તેમની સામે અનેક પડકારો હોવાનું સામે આવ્યું છે અને આ તમામ પડકારો સામે સરળતાથી કામ કરી રાજકોટની બગડેલી છાપ ફરી સુધારવી એ તેમના માટે પડકાર રૂપ બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *